નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

માહિતીના ( મેળવવાના ) અધિકાર બાબતનો અધિનિયમ -2005 | RTI - 2005

માહિતીના ( મેળવવાના ) અધિકાર બાબતનો અધિનિયમ- 2005

RTI - 2005

માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ કેન્દ્ર સરકારે તા . 15 મી જૂન 2005 ના રોજ બહાર પાડ્યો છે . 

તે જમ્મુ - કશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે . આ ધારો દેશની ગુપ્તચર સંસ્થા , રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી એકતા અને અખંડિતતાને સ્પર્શે એવી બાબતોની સંસ્થાઓ , અને વિદેશી એલચીઓની કચેરી સહિત કેટલાંક અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે . 

ગુજરાત સરકારે આ ધારાકીય જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો- 2005 ' તા . 5 મી ઑકટોબર - 2005 ના રોજ બહાર પાડ્યા અને અમલીકૃત કર્યા છે . 

પારદર્શક , સ્વચ્છ , સરળ અને ઝડપી વહીવટી કામગીરી થાય અને તેમાં પ્રજાકીય સહયોગ પ્રાપ્ત કરવાનો આ ધારાનો મૂળ હેતુ રહ્યો છે . 

આ ધારાકીય , જોગવાઈ હેઠળ કોઈપણ નાગરિક તેનાં અટકેલાં કાર્યો અંગે કે યોજનાઓના અમલીકરણ અંગે કે પ્રજાલક્ષી કાર્યોની સફળતા કે સ્થિતિ અંગે સંબંધિત વિભાગના ઉપરી અધિકારીને પ્રશ્નો પૂછીને સાચી માહિતી મેળવી શકે છે . 

માહિતી મેળવવી શી રીતે ? 

આ અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ હાલમાં રૂ . 20 ( વીસ ) રોકડમાં અથવા પોસ્ટલ ઓર્ડર , પે - ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે જોડવાની રહે છે . 

આ અરજી સ્વહસ્તાક્ષરમાં , ટાઈપ કરેલ કે ઈ - મેઈલ દ્વારા પણ જે - તે વિભાગમાં કરી શકાય છે . બી.પી.એલ યાદી હેઠળના કુટુંબની વ્યક્તિએ કોઈ જ ફી કે નકલો અંગેનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી . 

માહિતીની અરજીમાં ક્યા કારણોસર માહિતી માંગી છે તેનાં કારણો જણાવવાની જરૂર નથી . 

અરજી મળ્યાની પહોંચ નમૂનામાં જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી ( APIO ) એ અરજીનો ક્રમાંક ( ID નંબર ) પાડીને , અરજદારને એક નકલ આપશે . 

ત્યાર પછીના અરજી સંદર્ભના પત્રવ્યવહારમાં ID ક્રમાંક દર્શાવવાનો હોય છે . માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના 30 ( ત્રીસ ) દિવસમાં અરજીનો નિકાલ APIO કરશે . 

જો કોઈ નમૂના કે નકલ માંગી હશે તો તેની ધારામાં નિર્ધારિત કરેલ ધોરણ અનુસાર અરજદાર પાસેથી ફી કે ચાર્જ વસૂલ કરીને માહિતીના ઉત્તરો આપશે .

જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ , રાષ્ટ્રીય હિત કે સલામતીને સ્પર્શતી ગોપનીય બાબતો , અદાલતી તિરસ્કાર થઈ શકે તેવી , વૈજ્ઞાનિક રહસ્યો કે ગુનાને ઉત્તેજન મળે તેવી માહિતી આપવાનો ઈન્કાર ધારા અન્વયે કરી શકે છે . 

અપીલની જોગવાઈ

જો જે - તે વિભાગ 30 ( ત્રીસ ) દિવસમાં માહિતીનો નિકાલ ન કરે કે માહિતી આપવાનો ઇન્કાર કરે તો નારાજ થયેલ પક્ષકાર જાહેર માહિતી અધિકારી ( PIO ) ને હુકમ મળ્યાના 30 ( ત્રીસ ) દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે . 

આ માટે અરજદારે કોઈ ફીની રકમ ચૂકવવાની નથી . 

પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇન્કારથી નારાજ થયેલ પક્ષકાર 90 ( નેવું ) દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને બીજી અપીલ કરી શકે છે . 

દંડની જોગવાઈ 

કોઈપણ માહિતી અધિકારી વાજબી કારણો વિના માહિતી આપવાનો ઇન્કાર કરે , બદઈરાદાથી માહિતી છુપાવે , જાણીબૂઝીને અધૂરી કે ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી આપે કે માહિતીનો નાશ કરે તેવા કિસ્સામાં માહિતીના વિલંબ બદલ જેટલા દિવસ વિલંબ થયો હોય તેટલા દિવસ દીઠ નિયત રકમ મુજબ દંડ જે - તે દોષિત માહિતી અધિકારીને થાય છે . 

માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે તથા વિશેષ જાણકારી અને માર્ગદર્શન મેળવવા માટે દેશની સૌ પ્રથમ હેલ્પ લાઈન નંબર પરથી જાહેર રજાના દિવસો સિવાય કામકાજના સમય દરમ્યાન જાણી શકાય છે . 

વધુમાં , આ ધારા અન્વયે ‘ નાગરિક અધિકાર પત્ર ’ ઘોષિત થયું છે જેનાથી જે તે કચેરીમાં કામના નિકાલની પહેલેથી સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે , તેથી અરજી સંદર્ભે શું સ્થિતિ છે તે જાણી શકાય છે . 

ગુજરાત સરકારે ‘ કોમન સર્વિસ પોર્ટલ ' સેવા શરૂ કરી છે જેના પરથી નાગરિક 28 જેટલી સેવાઓ સંદર્ભે ઓનલાઈન અરજી , દસ્તાવેજોની ચકાસણી , પેમેન્ટ જેવી સુવિધા અને અરજીની તાજી સ્થિતિ 24X7 દિવસમાં જાણી શકે છે . 

ભ્રષ્ટાચારને જાકારો આપવા આ એક ક્રાંતિકારી અધિનિયમ છે .

Post a Comment

0 Comments