નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ગ્રાહકોના અધિકારો ( હકો )

ગ્રાહકોના અધિકારો ( હકો )

બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે અને પોતે ખર્ચેલાં નાણાંનું પૂરું વળતર મેળવી શકતો નથી , તેનાં નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે . 

હલકી કક્ષાના , બનાવટી , ભેળસેળયુક્ત , નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે , જેથી આરોગ્યને નુકસાન થાય છે . તોલમાપ , ભેળસેળ અને બનાવટ , છેતરપિંડી , ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીતરસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે . 

ઉત્પાદકો , વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ , સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરી છે . 

આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો , ખોટી રીતરસમો સામે લડત શી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે . 

આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે . 

કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકાર આપવામાં આવ્યા છે . 

( 1 ) સલામતીનો અધિકાર : 

‘ જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિકર્તા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે . ’ આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે .

( 2 ) માહિતી મેળવવાનો અધિકાર ઃ

ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા , જથ્થો , ક્ષમતા , શુદ્ધતા , ધોરણ , વપરાશ , કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીતરસમોથી બચી શકે . આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે . ગ્રાહકને માહિતી લેબલમાંથી , પેકિંગ પરથી , જાહેરખબર , ભાવપત્રકો , સરકારી જાહેરખબરો અને અહેવાલો પરથી મળી રહે છે . 

( 3 ) પસંદગી કરવાનો અધિકાર : 

વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ , હરીફાઈના ભાવે , ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે . પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે , સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે . વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે . 

( 4 ) રજૂઆત કરવાનો અધિકાર : 

ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય , બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરી છે . 

( 5 ) ફરિયાદ નિવારણનો અધિકાર : 

આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીતરસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી , તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે . આ વળતરમાં માલ બદલી આપવો , પાછો લઈ લેવો , પૈસા પાછા આપવા , ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે . આવી એક કે એકથી વધુ રાહતો વળતરરૂપે માંગી શકે છે . ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે . 

( 6 ) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર : 

આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન , ચતુરાઈ , ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે . ગ્રાહકનું અજ્ઞાન , ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષાના જવાબદાર પરિબળો છે . શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને , વિવિધ સંસ્થાઓની મીટીંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચાસભા , પ્રદર્શનો , વાર્તાલાપ , કાર્યશિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે , એમાં ગ્રાહકશિક્ષણ મદદરૂપ બને છે .

Post a Comment

0 Comments