અસહકારનું આંદોલન તથા તેનાં પાસાઓ, કાર્યક્રમો અને અસરો વિશે સંપુર્ણ માહીતી.
અસહકારનું આંદોલન ( 1920-22 )
અસહકારના આંદોલનને ( ડિસેમ્બર , 1920 ) નાગપુર અધિવેશનમાં બહાલી મળી , કૉંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ ‘ સ્વશાસન’ને બદલે ‘ સ્વરાજ્ય ’ જ જોઈએ , એવી બુલંદ માગણી કરી .
રચનાત્મક પાસું
આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ - મુસ્લિમ એક્તા દૃઢ બનાવવી , ‘ સ્વદેશી ’ ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો , ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા , ‘ ટિળક સ્વરાજ્ય ફંડ’માં એક કરોડ રૂપિયા એકઠા કરવા , ખાદી , અસ્પૃશ્યતા નિવારણ , દારૂબંધી , રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો .
ખંડનાત્મક પાસું
જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ , ધારાસભાઓ , સરકારી શાળા - કૉલેજોનો ત્યાગ કરવો , સરકારી અદાલતો , સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામાં આપવાં , વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર , સરકારી સમારંભો , ઇલકાબો ( ખિતાબો ) વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો .
અસહકાર આંદોલનના કાર્યક્રમો
આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ પોતાની કૈસરે હિંદ'અને રવીન્દ્રનાથ ઠાકુરે ‘ નાઇટ ફુડ સન્માન ’ વગેરેનો ત્યાગ કર્યો . દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો . વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કૉલેજો છોડી દીધી , ઠેર - ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી . ડ્યૂક ઑફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો ( નવેમ્બર 1921 ) , પ્રિન્સ ઑફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો . આવા પગલાંએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી . બીજી તરફ રાષ્ટ્રીય શાળા - કૉલેજોની સ્થાપના થઈ , જેમાં કાશી , બિહાર , જામિયા - મિલિયા , ગુજરાત વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ . સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતાં ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ , પગરખાં , મોજશોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતાં તેનો પડઘો બ્રિટિશ પાર્લમેન્ટમાં પડ્યો . ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઊઠી !
ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠાં થયાં તેમજ આંદોલન દરમિયાન હિન્દુ - મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ . હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા ‘ મોપલા બળવો ’ ( મલબાર ) ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો .
આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમનનીતિનો સહારો લીધો . બેફામ લાઠીમાર , આડેધડ ગોળીબાર , સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો . હિંદુ - મુસ્લિમ એક્તાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો.
ચૌરી - ચૌરાનો બનાવ અને આંદોલન મોકૂફ
ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામે ( 5 ફેબ્રુઆરી , 1922 ) નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો . પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા . ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી . જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા .
આ હિંસક બનાવના સમાચાર મળતાં જ ગાંધીજીએ જણાવ્યું કે , ‘ અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે . ’ એમ કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી .
અસહકારના આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો
આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી ; પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા . સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું . લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની , ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી . સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની . લોકોમાંથી લાઠી , દંડ અને જેલનો ભય દૂર થયો . યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રસેવામાં આગળ આવ્યાં અને કૉંગ્રેસ લોકોની સંસ્થા બની . દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ . અંગ્રેજીના સ્થાને હિન્દીભાષાને મહત્ત્વ મળ્યું . જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો - નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સામિત હતું , તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું .
Post a Comment
0 Comments