નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ક્ષારણ એટલે શું? ક્ષારણ અટકાવવાનાં ઉપાયો.

 ક્ષારણ

➢ ક્ષારણ એટલે શું? (What is Corrosion?)

‌"જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવાં કે ભેજ , ઍસિડ વગેરેનો હુમલો થાય ( અસર થાય ) ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ ( Corrosion ) કહેવાય છે."

● ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતાં થોડા સમય બાદ તે કાળી પડી જાય છે . આમ થવાનું કારણ એ છે કે , તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે .

● કૉપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે - ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે . આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે .

● લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખૂલ્લું રાખતા તેની પર કથ્થાઈ પદાર્થનો થર જામે છે , તેને કાટ ( rust ) કહે છે . ચાલો , આપણે એવી પરિસ્થિતિઓ શોધી કાઢીએ કે જેમાં લોખંડને કાટ લાગે છે .


➢ ક્ષારણ અટકાવવાનાં ઉપાયો ( Prevention of Corrosion )

● ‌રંગ કરીને , તેલ લગાવીને , ગ્રીઝ લગાવીને , ગેલ્વેનાઇઝિંગ કરીને , ક્રોમ પ્લેટિંગ કરીને , એનોડીકરણ દ્વારા અથવા મિશ્રધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે .

● સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝિંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે . જો ઝિકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝડ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે . શું તમે તેનું કારણ આપી શકો છો ?

● મિશ્રધાતુ બનાવવી ( Alloying ) એ ધાતુના ગુણધર્મોમાં સુધારા કરવા માટેની વધુ સારી પદ્ધતિ છે . આ પદ્ધતિથી આપણે ઇચ્છિત ગુણધર્મો મેળવી શકીએ છીએ . ઉદાહરણ તરીકે , લોખંડ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે , પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી . આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે સહેલાઈથી ખેંચી શકાય તેવું હોય છે . પરંતુ જો તેને કાર્બનના થોડા પ્રમાણ ( આશરે 0.05 % ) સાથે મિશ્ર કરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે .

● જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે આપણે સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકીએ છીએ કે જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી . આમ , લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો , તેના ગુણધર્મો બદલાય છે .

● વાસ્તવમાં કોઈ પણ ધાતુને જો બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલી શકાય છે . ઉમેરવામાં આવતો પદાર્થ ધાતુ અથવા અધાતુ હોઈ શકે છે . મિશ્રધાતુ ( Alloy ) એ બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું સમાગ ( homogeneous ) મિશ્રણ છે .

●સૌ પ્રથમ પ્રાથમિક ધાતુને પીગાળીને ત્યાર બાદ નિશ્ચિત પ્રમાણમાં અન્ય તત્ત્વો તેમાં ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે .


શુદ્ધ સોનું , 24 કેરેટ સોના તરીકે ઓળખાય છે અને ખૂબ જ નરમ હોય છે તેથી તે ઘરેણાં બનાવવા માટે યોગ્ય નથી . તેને સખત બનાવવા માટે તેને ચાંદી કે કૉપર સાથે મિશ્ર કરવામાં આવે છે .

‌● સામાન્ય રીતે ભારતમાં 22 કેરેટ સોનાના દાગીના બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે તેનો અર્થ એ થાય કે 22 ભાગ શુદ્ધ સોનું , 2 ભાગ કૉપર કે ચાંદી સાથે મિશ્ર કરવામાં આવે છે .

● જો ધાતુઓ પૈકીની એક મરક્યુરિ હોય તો તે મિશ્રધાતુને સંરસ ( amalgam ) તરીકે ઓળખવામાં આવે છે .

●મિશ્રધાતુની વિદ્યુતવાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે . ઉદાહરણ તરીકે પિત્તળ , કૉપર અને ઝિંકની મિશ્રધાતુ ( Cu અને Zn ) અને બ્રોન્ઝ , કૉપર અને ટીનની મિશ્રધાતુ ( CL અને Sn ) વિદ્યુતના સારા વાહકો નથી જ્યારે કૉપર વિદ્યુતીય પરિપથ બનાવવા વપરાય છે .

● સોલ્ડર ( Solder ) સીસું અને ટીનની મિશ્રધાતુ ( Pb અને Sn ) છે , જે નીચું ગલનબિંદુ ધરાવે છે અને વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ ( રેણ ) કરવા માટે ઉપયોગમાં લેવાય છે .

Post a Comment

0 Comments