નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ

 સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ



  1. સ્કિનરના મત પ્રમાણે પ્રબલને આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે . આ માન્યતાને પ્રાયોગિક ધોરણે ચકાસવા માટે તેમણે એક સમસ્યાપેટીની રચના કરી , જે સ્કિનર પેટી તરીકે ઓળખાય છે . 
  2. આ સમસ્યાપેટીની વિશેષતા એ હતી કે તેમાં અન્નગુટિકા સંચયપેટીને અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચયપેટીમાંથી અન્નપાત્રમાં આવી જાય . 
  3. આવી સમસ્યાપેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો . ઉંદરે શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા . 
  4. જેમાં પેટીમાં દોડાદોડ કરવી સમસ્યાપેટીના સળિયાઓ પર પ્રહારો કરવા , સળિયાને બચકાં ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો . 
  5. આવી અનેક ક્રિયાઓ દરમ્યાન અચાનક તેનાથી અન્નગુટિકા પ્રાપ્તત કરવાનો હાથો દબાઈ ગયો . 
  6. ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત - બેખબર હોવાથી તેને અન્નગુટિકા પાત્રમાં અન્નગુટિકા છે તેવો કોઈ જ ખ્યાલ નહોતો . 
  7. પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જતાં તેણે અન્નગુટિકા આરોગી . 
  8. ઉંદર દ્વારા થયેલ આ પ્રતિક્રિયા તદન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થયેલ નહોતું . 
  9. આથી ફરી એને સમસ્યાપેટીમાં મૂકતાં સમસ્યાપેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા , આ દરમ્યાન તેનાથી ફરીથી અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ .
    Experiment of Skinner image

  10. પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની 15 મિનિટ પછી પ્રાપ્ત થઈ હતી . 
  11. જ્યારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની 35 મિનિટે એટલે કે પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયાની 20 મિનિટ પછી પ્રાપ્ત થઈ . 
  12. ત્યારબાદ 47 મિનિટે ત્રીજી અન્નગુટિકા અને ચોથી અન્નગુટિકા ઉંદરને પાંજરામાં મૂક્યાની 71 મી મિનિટે પ્રાપ્ત થઈ . 
  13. આ ચાર વાર હાથો દબાવવાની પ્રતિક્રિયાઓને અંતે ઉંદરને સમજ પ્રાપ્ત થઈ કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે . 
  14. ત્યારબાદ ઉંદર વારંવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવતો થાય છે , તેનામાં હાથો દબાવવાની ક્રિયા અને અન્નગુટિકાની પ્રાપ્તિ અંગેનું અભિસંધાન જોવા મળ્યું . 
  15. જે સ્પષ્ટ રીતે તેણે મેળવેલા શિક્ષણનો નિર્દેશ કરે છે . 
  16. આમ , સમસ્યાપેટીમાં પુરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યાપેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો કરતાં કરતાં હાથો દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થયો , જેનાથી તેની પ્રતિક્રિયાઓને પ્રબલન પ્રાપ્ત થયું અને પ્રબલન મળવાથી ઉંદરની પ્રતિક્રિયાનું દઢીકરણ થયું . 

સ્કિનરના પ્રયોગના મૂળભૂત ખ્યાલોની સમજૂતી : 

( a ) પ્રબલન : 

  1. કોઈપણ શિક્ષણના દેઢીકરણ માટે પ્રબલન જરૂરી છે . 
  2. પ્રબલન એટલે કે શીખેલી - શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દઢ કે બળવત્તર કરનારું ઘટક . 
  3. સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરાના લાળસ્રાવ માટે ખોરાક એ પ્રબલન તરીકેની ભૂમિકા ભજવે છે . 
  4. જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં ઉંદરની હાથો દબાવવાની પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્નગુટિકા ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની રહે છે . 
  5. પ્રબલનના બે પ્રકારો છે . ( 1 ) વિધાયક પ્રબલન અને ( 2 ) નિષેધક પ્રબલન


(1) વિધાયક પ્રબલન : 

જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે . વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેયે શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે . સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદીપક એટલે વિધાયક પ્રબલન . દા.ત. માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું હોમવર્ક કરી લે તો માતા તેને ચોકલેટ આપે છે . અહીં ચોકલેટ એ બાળક માટે વિધાયક પ્રબલન છે . 


(2) નિષેધક પ્રબલન : 

સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ગણાવી શકાય પરંતુ સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી . નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદીપક . કારક અભિસંધાનના પ્રયોગમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ બાળક - પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયાની સંભાવના વધારવા માટે જ કરવામાં આવે છે . સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં સમસ્યાપેટીમાં હાથો દબાવવાથી ઉંદર ઈલેક્ટ્રીક શોકથી રાહત મેળવી શકે તો ઉંદર આ કષ્ટદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે . પ્રબલન વિધાયક હોય કે નિષેધક , તેને પ્રબલનની કક્ષાએ તો જ મૂકી શકાય કે જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજવાની સંભાવના પહેલાં કરતાં વધે . ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનને ઉંદર ઉપર પ્રબલનનું કદ , બે પ્રબલન વચ્ચેનો સમયગાળો , પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવી અભિસંધાનમાં પ્રબલનની અસરકારકતા અંગે રસપ્રદ તારણો તારવ્યાં છે .


( b ) વિલોપન : 

  1. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે વિલોપન . એકવાર અભિસંધિત થયેલ પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છતાં પણ તેને પ્રબલન આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો તે શીખેલી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે , જેને વિલોપન કહેવાય છે . 
  2. પ્રાણીને વિલોપનનું શિક્ષણ આપવા માટે પ્રાણી એકવાર સંપૂર્ણપણે અભિસંધાનનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ પ્રાણીને ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂક્યા પછી તે ચોક્કસ ઉદીપક માટે શીખેલી પ્રતિક્રિયા કરે , તેમ છતાં તેને ઘણા બધા પ્રયત્નોમાં સતત પ્રબલન આપવામાં ન આવે તો પ્રાણીમાં તે પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટતો જઈને 
  3. છેવટે પ્રતિક્રિયાનો સદંતર અભાવ જોવા મળે છે . 
  4. પ્રાણીમાં સ્થપાયેલા અભિસંધાનમાં ઘટાડો થઈ પ્રતિક્રિયા લુપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત કરેલ શિક્ષણનું વિલોપન થાય છે . 
  5. સ્કિનર પેટીમાં ઉંદર એકવાર હાથો દબાવી અન્નગુટિકા મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યાર બાદ તે પ્રતિક્રિયા કરે છતાં તેને અન્નગુટિકા આપવામાં ન આવે . 
  6. આવું વારંવાર કરવામાં આવે તો ધીરે ધીરે ઉંદરમાં હાથો દબાવવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે જેને ઉંદરમાં શીખેલા શિક્ષણનું વિલોપન થયું કહેવાય . 


( C ) ઉદીપક: 

  1. સામાન્યીકરણ જે રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદીપકનું સામાન્યીકરણ જોવા મળે છે તે રીતે કારક અભિસંધાનમાં સ્કિનરના પ્રયોગમાં ઉદીપકનું સામાન્યીકરણ થઈ શકતું નથી , કારણ કે કારક અભિસંધાનમાં સમગ્ર સ્કિનરપેટી એ જ ઉદીપકીય પરિસ્થિતિ છે . 
  2. જો કે , રોજબરોજના જીવનમાં કારક અભિસંધાનમાં પણ ઉદીપકનું સામાન્યીકરણ થવાનાં અનેક ઉદાહરણો જોવા મળે છે . 
  3. દા.ત. બાળક રમકડાંથી રમતું હોય અને તમે તેનું રમકડું સંતાડો તો , થોડી જ વારમાં બાળક તે રમકડું શોધી કાઢે છે . 
  4. આવું વારંવાર કરવાથી તમે તેનું રમકડું સંતાડો કે તરત જ તે જગ્યાએથી બાળક રમકડું શોધી કાઢવાની ક્રિયા કરતાં શીખી લે છે . 
  5. આ ક્રિયાને અભિસંધાન કહી શકાય . હવે તમે કોઈ અન્ય જગ્યાયે તેનું રમકડું સંતાડો છો તો થોડા પ્રયત્નોને અંતે બાળક નવી જગ્યાએથી પણ રમકડું શોધી કાઢે છે . 
  6. આમ , બાળકની નવી જગ્યાએથી રમકડું શોધી કાઢવાની ક્રિયાએ રમકડું સંતાડવાની જૂની જગ્યા સાથે રમકડા સંતાડવાની નવી જગ્યાનું સામાન્યીકરણ થયાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે . 


( d ) ઉદીપક ભેદબોધન : 

  1. શાસ્ત્રીય અભિસંધાનની જેમ કારક અભિસંધાનના પ્રયોગમાં ઉંદરને પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતાં શીખવવામાં આવે છે . 
  2. જેમાં પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત થતી હતી , પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું . 
  3. જેમાં થોડા પ્રયત્નોને અંતે ઉંદર પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતાં શીખી લે છે . 
  4. તેથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે જે ઉંદરમાં પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું શિક્ષણ પ્રાપ્ત થયું તે ભેદબોધનનું શિક્ષણ .

Post a Comment

0 Comments