નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

વિદ્યુતપ્રવાહની તાપીય અસર અને તેનાં વ્યવહારિક ઉપયોગો

વિદ્યુતપ્રવાહની તાપીય અસર

આપણે જાણીએ છીએ કે બૅટરી અથવા કોષ વિદ્યુતઊર્જાનું પ્રાપ્તિસ્થાન છે . કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા તેના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે , જે બૅટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધોના તંત્રમાં વિદ્યુતપ્રવાહ વહેવડાવવા માટે ઇલેક્ટ્રૉનને ગતિમાં લાવે છે . 

વિદ્યુતપ્રવાહ જાળવી રાખવા માટે બૅટરીએ ઊર્જા ખર્ચતા રહેવું પડે છે . આ ઊર્જા ક્યાં જાય છે ? વિદ્યુતપ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઊર્જામાંથી અમુક ભાગ ઉપયોગી કાર્ય કરવા ( જેમકે વિદ્યુતપંખાનાં પાંખિયાં ફેરવવા ) માટે વપરાય છે . પ્રાપ્તિસ્થાનની બાકીની ઊર્જા ઉપકરણનું તાપમાન વધારવા માટે ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે . 

આપણે આપણા રોજિંદા જીવનમાં આ ઘણી વાર જોઈએ છીએ . ઉદાહરણ તરીકે , વિદ્યુતપંખાનો લાંબો સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થાય છે . 

આનાથી વિપરીત જો વિદ્યુત – પરિપથ માત્ર અવરોધીય હોય , એટલે કે માત્ર અવરોધોનું જોડાણ જ બૅટરી સાથે કરેલ હોય તો પ્રાપ્તિસ્થાનની ઊર્જા સતત ઉષ્મારૂપે જ વ્યય થાય છે . આને વિદ્યુતપ્રવાહની તાપીય અસર કહે છે . 

આ અસરનો ઉપયોગ વિદ્યતહીટર , વિદ્યતઇસ્ત્રી વગેરેમાં થાય છે .


વિદ્યુતપ્રવાહની તાપીય અસરનાં વ્યાવહારિક ઉપયોગો

વિદ્યુતઊર્જાનું ઉષ્મામાં રૂપાંતર

કોઈ વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થવી તે વિદ્યુતપ્રવાહનું અનિવાર્ય પરિણામ છે . ઘણા કિસ્સામાં તે અનિચ્છનીય છે કેમ કે તે ઉપયોગી વિદ્યુતઊર્જાનું ઉષ્મામાં રૂપાંતર કરે છે . 

વિદ્યુત - પરિપથોમાં નિવારી ન શકાય તેવી ઉષ્મા વિદ્યુત ઘટકોનાં તાપમાનમાં વધારો કરે છે અને તેમના ગુણધર્મોમાં ફેરફાર કરી શકે છે . આમ છતાં વિદ્યુતપ્રવાહની તાપીય અસરની કેટલીય ઉપયોગી પ્રયુક્તિઓ છે . 

વિદ્યુત ઇસ્ત્રી , વિદ્યુત ટોસ્ટર , વિદ્યુત ઓવન , વિદ્યુત કિટલી અને વિદ્યુતવીટર એ જાણીતા વિદ્યુત ઉપકરણો છે , જે જૂલ ઉષ્મા પર કાર્ય કરે છે . 

વિદ્યુતઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર

વિદ્યુત ઉષ્માનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ થાય છે જેમ કે વિદ્યુતબલ્બ . અહીં , બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ જેથી તે ગરમ થઈને પ્રકાશ ઉત્સર્જિત કરે છે. 

ફિલામેન્ટ આવા ઉચ્ચ તાપમાને પીગળવો જોઈએ નહિ . બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન ( ગલનબિંદુ 3380 ° C ) જેવી ઉચ્ચ ગલનબિંદુ ધરાવતી મજબુત ધાતુ વપરાય છે . 

ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે , બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગન વાયુ ભરવામાં આવે છે , જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે . 

ફિલામેન્ટ દ્વારા વપરાતો મોટા ભાગનો પાવર ઉષ્મારૂપે હોય છે , પણ થોડોક ભાગ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે . 

ફાયદો

જૂલ ઉષ્મા ઉષ્માની ( તાપીય અસર ) નો એક બીજો સામાન્ય ઉપયોગ વિદ્યુત - પરિપથોમાં વપરાતા ફયુઝ છે . તે પરિપથો અને વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુતપ્રવાહને પસાર થતો અટકાવીને તેમનું રક્ષણ કરે છે . 

ફયુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે . ફયુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો તારનો ટુકડો છે . ઉદાહરણ રૂપે ઍલ્યુમિનિયમ , કોપર , લોખંડ , લેડ વગેરે . પરિપથના નિયત મૂલ્ય કરતા વધુ વિદ્યુતપ્રવાહ વહે તો ફયુઝનાં તારનાં તાપમાનમાં વધારો થાય છે . 

આથી , ફયુઝનો તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે . ફયુઝનો તાર પોર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે , જેને બે ધાતુનાં છેડા હોય છે . 

ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ 1 A , 2 A , 3 A , 5 A , 10 A વગેરે રેટીંગ ધરાવે છે . વિદ્યુત ઇસ્ત્રી 220 V પર કાર્ય કરતી હોય અને 1 kw વિદ્યુતપાવર વાપરતી હોય તો પરિપથમાં 1000 W / 220 V = 4.54 A વિદ્યુતપ્રવાહ પસાર થાય . આ કિસ્સામાં 5 A નો ફ્યુઝ વાપરવો જોઈએ .

વિદ્યુતપ્રવાહની તાપીય અસર એટલે શું?

વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થતુ હોય તો તેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે.

વિદ્યુતપ્રવાહની તાપીય અસરનો ઉપયોગ દૈનિક જીવનમાં કેવી રીતે થાય છે?

આ અસરનો ઉપયોગ વિદ્યતહીટર , વિદ્યતઇસ્ત્રી વગેરેમાં થાય છે .

Post a Comment

0 Comments