દાંડીયાત્રા (12 માર્ચથી 6 એપ્રિલ)
દાંડીયાત્રા
12 માર્ચથી 6 એપ્રિલ , 1930 સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું .
11 મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો . લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો .
અમદાવાદના સાબરમતી રિજન આશ્રમ ( હવે ગાંધી આશ્રમ ) થી 12 મી માર્ચ , 1930 ના રોજ “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ , જે પીડ પરાઈ જાણે રે ’ ગવાયું અને ભણે નરસૈયો તેનું દશર્ન કરતાં કુળ ઇકોતેર તાર્યા રે , “ શૂર સંગ્રામ કો દેખ ભાગે નહિ , દેખ ભાગે સોઈ શૂર નહિ ' એ પૂરું થતા મહાપ્રયાણ શરૂ થયું . ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ , મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડીકૂચની શરૂઆત કરી .
અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી છે .
દાંડીયાત્રામાં અસલાલી , બારેજા , નડિયાદ , આણંદ , બોરીઆવી , રાસ , જંબુસર , ભરૂચ સુરત , નવસારી જેવાં નાનાં - મોટાં નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી.
ગાંધીજીએ ભાટ મુકામે ( 29 માર્ચ , 1930 ) કહ્યું “ કાગડા - કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું ” આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા , પાણી છાંટી તોરણો બાંધી શણગારતા . આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગ્રતિ , અજબની શ્રદ્ધા , ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું . દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું .
ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા ( 5 મી એપ્રિલ 1930 ) . 6 એપ્રિલ , 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયાકિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો .
ગાંધીજીએ કહ્યું , “ મૈને નમક કા કાનૂન તોડ દિયા . ' અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતાં કહ્યું ‘ ‘ હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું . ’ તેવા શબ્દોથી સંબોધન કર્યુ . શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચને ‘ ‘ મહાભિનિષ્ક્રમણ ’ ’ સાથે સરખાવે છે .
દુનિયાભરના પત્રકારો , ફોટોગ્રાફર્સે પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ , સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો . આમ , 12 મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી ; પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી .
આખા દેશમાં વિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ . સરકારે દમનનો કોરડો વીંઝયો . લાઠીમાર , ધરપકડો , ગોળીબાર , સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લડતનું જોર ઘટયું નહિ .
દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર , દારૂબંધી , હિન્દુ - મુસ્લિમ એકતા , અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું .
દાંડીયાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગ્રતિના લીધે અસહકારનાં આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા .
આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર , દારૂબંધી અને દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ , મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના - કર આંદોલન , અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ , સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા .
આ જાગ્રતિ તથા આંદોલનને નબળાં પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ , કારાવાસ સહિતનાં દમનકારી પગલાં લેવાયાં . આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે , પોલીસ સ્ટેશન , પોસ્ટ ઑફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ , હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા .
આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન ‘ સરહદના ગાંધી’ના નેતૃત્વ હેઠળનું આંદોલન , મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો , દિલ્લીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ , સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ , સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય .
Post a Comment
0 Comments