આગ્રાનો કિલ્લો તથા લાલ કિલ્લો
આગ્રાનો કિલ્લો
ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે .
આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈ.સ. 1565 માં કરાવ્યું . આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે .
70 ફૂટ ઊંચી દીવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો દોઢ માઈલનો છે .
તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દીવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી .
અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું . જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીનાં સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે .
શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા .
લાલ કિલ્લો
દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ ઈ.સ. 1638 માં કરાવ્યું હતું .
લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાંનાબાદ વસાવ્યું હતું .
આ કિલ્લાની અંદર દીવાન - એ - આમ , દીવાન - એ - ખાસ , રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી . દીવાન - એ - ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે .
તેની સજાવટમાં સોનું , ચાંદી , કિમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે .
લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ , મુમતાજનો શીશમહેલ , લાહોરી દરવાજા , મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે .
આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસનનું સર્જન કરાવ્યું હતું જેને નાદીરશાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો .
લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે . દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે .
Post a Comment
0 Comments