અજંતા ઈલોરા એલિફન્ટાની ગુફાઓ | (Caves of Ajanta Ellora Elephanta )
અજંતા ઈલોરા એલિફન્ટાની ગુફાઓ
અજંતાની ગુફાઓ :
અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે . સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે . વાસ્તુકળાની દૃષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે . અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય
( 1 ) ચિત્રકલા આધારિત ગુફાઓ અને ( 2 ) શિલ્પકલા આધારિત ગુફાઓ .
ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1 , 2 , 10 , 16 અને 17 નંબરની ગુફાઓનાં ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે . આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધધર્મ છે .
અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય – ચૈત્ય અને વિહાર , 9 , 10 , 19 , 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે .
અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી . તેને ઈ.સ. 1819 માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃસંશોધિત કરી . અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા , ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે .
માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતાં ઘણાં ચિત્રોને નુકસાન થયું છે . અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે .
ચિત્રકલા , શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા ક્લાસર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે . આટલું જાણવું ગમશે . ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ .
ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બાંધેલ હોય છે અને વિહાર એટલે બૌદ્ધ મઠ , જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે .
ઈલોરાની ગુફાઓ :
મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઈલોરાની ગુફાઓ આવેલી છે . અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે . અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે .
( 1 ) બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે .
( 2 ) હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે .
( 3 ) જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે . રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું . એમાં 16 નંબરની ગુફામાં કૈલાસમંદિર આવેલું છે .
એ એક જ પત્થરમાંથી કોતરીને બનાવેલું છે જે 50 મી . લાંબું , 33 મી . પહોળું અને 30 મી . ઊંચું છે .
દરવાજા , ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે .
પહાડવાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ઈ.સ. 600 થી ઈ.સ. 1000 ના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે .
બૌદ્ધ , હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનિકી ઉત્કૃષ્ટતા છે , પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે .
એલિફન્ટાની ગુફાઓ :
મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે . એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે . આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું .
એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે . અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાઈ છે જેમાં ત્રિમૂર્તિ ( બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ ) ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે .
એ ગુફા નં . 1 માં આવેલી છે . ઈ.સ. 1987 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે . સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે .
Post a Comment
0 Comments