ગ્રીનહાઉસ - અસર અને વૈશ્વિક ઉષ્ણતા ( Greenhouse Effect and Global Warming )
ગ્રીનહાઉસ - અસર અને વૈશ્વિક ઉષ્ણતા
( Greenhouse Effect and Global Warming )
‘ ગ્રીનહાઉસ અસર ’ શબ્દની ઉત્પત્તિ એક એવી ઘટનાથી થઈ શકે છે જે ગ્રીનહાઉસમાં થાય છે .
શું તમે ક્યારેય ગ્રીનહાઉસ જોયું છે ?
આ એક નાના કાચના ઘર ( glass house ) જેવું દેખાય છે જેનો ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિના છોડના રોપાઓને ઉગાડવા માટે કરવામાં આવે છે .
કાચનું ફલક ( panel ) પ્રકાશને અંદર તો આવવા દે છે પરંતુ ઉષ્ણતા ( ગરમી ) ને બહાર નીકળવા દેતું નથી .
તેથી ગ્રીનહાઉસ ઠીક એવી રીતે ગરમ થઈ જાય છે કે થોડા કલાકો માટે બહાર સૂર્યના તડકામાં પાર્ક કરવામાં આવેલી કાર ( ગાડી ) નો અંદર ભાગ ગરમ થઈ જાય છે .
ગ્રીનહાઉસ અસર કુદરતી રીતે થતી ઘટના છે કે , તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર છે .
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જો ગ્રીનહાઉસ અસર ન હોત તો આજે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન 15 ° C રહેવાને બદલે ઠંડું રહીને –18 ° C રહે .
ગ્રીનહાઉસ અસરને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી સૂર્યપ્રકાશની ઊર્જાના ભાવિનું શું થાય છે ( આકૃતિ ) .
પૃથ્વી તરફ આવતા સૌરવિકિરણો ( solar radiations ) ના લગભગ ચોથા ( 1/4 ) ભાગ જેટલાં વિકિરણોના વાદળો ( clouds ) તથા વાયુઓ ( gases ) થી પરાવર્તન થઈ જાય છે અને બીજો ચોથો ભાગ તેમના દ્વારા શોષાઈ જાય છે પરંતુ લગભગ અડધા ભાગ જેટલા વાતાવરણમાં પ્રવેશ પામતા સૌરવિકિરણો પૃથ્વીની સપાટી પર પડે છે અને તેને ગરમ કરે છે જ્યારે થોડાક જ પ્રમાણમાં તે પરાવર્તન પામીને પાછા જાય છે .
પૃથ્વીની સપાટી પારરક્ત વિકિરણો ( infrared ) ના સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્જિત ( પુનઃઉત્સર્જિત- re - emit ) કરે છે પરંતુ આ ભાગ અવકાશમાં છટકી જતો નથી પણ મોટા ભાગનાં પારરક્ત વિકિરણો વાતાવરણમાં રહેલા વાયુઓ દા.ત. , કાર્બન ડાયૉક્સાઇડ , મિથેન વગેરે દ્વારા શોષાઈ જાય છે .
આ વાયુઓના અણુઓ ઉષ્માઊર્જાનો ફેલાવો કરે છે અને તેનો મોટો ભાગ ફરીથી પાછો પૃથ્વીની સપાટી પર આવી જાય છે તથા તેને ફરી એકવાર ગરમ કરે છે .
આ ચક્રનું પુનરાવર્તન ઘણી વખત થતું રહે છે .
આ પ્રકારે પૃથ્વીની સપાટી અને નીચે રહેલું વાતાવરણ ગરમ થતું રહે છે .
ઉપર જણાવેલા વાયુઓ કાર્બન ડાયૉક્સાઇડ , મિથેન – વગેરે સામાન્ય રીતે ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે ( આકૃતિ ) . કારણ કે , તેઓ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે .
ગ્રીનહાઉસ વાયુઓના સ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીની સપાટીની ઉષ્ણતા ( ગરમી ) માં નોંધપાત્ર વધારો થાય છે જેના કારણે વૈશ્વિક ઉષ્ણતામાન પણ વધવા પામે છે .
ગત શતાબ્દિ દરમિયાન , પૃથ્વીનું તાપમાન 0.6 ° C જેટલું વધવા પામ્યું હતું , તે પૈકી છેલ્લા ત્રણ દાયકાઓ દરમિયાન સૌથી વધારે વૃદ્ધિ થઈ છે .
વૈજ્ઞાનિકોનું માનવું છે કે તાપમાનમાં થતાં આ વધારાને કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફારો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફારો થાય છે ( દા.ત. , અલનીનો અસર ) .
આ રીતે ધ્રુવીય ઘન બરફનાં શિખરો અને તેવી જ રીતે હિમાલયનાં બરફ આચ્છાદિત શિખરો જેવાં અન્ય સ્થળોનું ઓગળવાનું વધી જાય છે .
જેના પરિણામે ઘણાં વર્ષો પછી સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થશે જે દરિયાકિનારાના ઘણા તટ વિસ્તારો ( costal ) ને ડુબાડી શકે છે .
વૈશ્વિક ઉષ્ણતામાનમાં થતાં પરિવર્તનોની કુલ સાદૃશ્યતા એ વિષય છે કે જે હજુ પણ સક્રિય સંશોધન હેઠળ છે .
આપણે વૈશ્વિક ઉષ્ણતામાનને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ ?
તેને લગતાં પગલાં ( ઉપાયો ) માં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવો , ઊર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરવો , જંગલોની નાબૂદી ( વનકટાઈ ) ઘટાડવી , વૃક્ષારોપણ કરવું તથા માનવવસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવો વગેરેનો સમાવેશ થાય છે .
વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પહેલ પણ કરવામાં આવી રહી છે .
Post a Comment
0 Comments