નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ઘન કચરો ( Solid Waste )

 ઘન કચરો ( Solid Waste )

ઘન કચરા ( નકામા પદાર્થો ) માં તે બધી ચીજવસ્તુઓ સંદર્ભિત છે જે કૂડાકચરા ( trash ) માં બહાર ફેંકી દેવામાં આવે છે . 

નગરપાલિકા ( municipality ) ના ઘન કચરામાં ઘરો , કાર્યાલયો , ભંડારો , શાળાઓ , દવાખાના વગેરેમાંથી રદ્દીમાં ફેંકવામાં આવતી નકામી બધી ચીજવસ્તુઓ આવે છે , જે નગરપાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે . 

નગરપાલિકાના ઘન કચરામાં સામાન્ય રીતે કાગળ , ખાદ્ય એંઠવાડ , પ્લાસ્ટિક , કાચ , ધાતુઓ , રબર , ચામડું , વસ્ત્ર વગેરે હોય છે . 

તેને સળગાવવાથી કચરાના કદમાં ઘટાડો આવી જાય છે છતાં તે સામાન્યતઃ સંપૂર્ણ રીતે સળગી જતો નથી અને ખુલ્લાં સ્થાનો ( dump side ) માં તેને ફેંકવાથી ઉંદરો અને માખીઓ માટે પ્રજનન - સ્થળનું કાર્ય કરે છે . 

સેનિટરી લૅન્ડફિલ્સ ( sanitary landfills ) એ ખુલ્લા સ્થાનોમાં સળગાવીને ઢગલો કરવા માટેની અવેજીમાં અપનાવવામાં આવ્યું હતું . 

સેનિટરી લૅન્ડફિલ્મમાં ઘન કચરાને ઘનીકરણ ( સંઘનિત- compaction ) કર્યા પછી ખાડા કે ખાઈમાં દબાવી દેવામાં આવે છે અને દરરોજ ધૂળ કે માટીથી ઢાંકી દેવામાં આવે છે . 

જો તમે કોઈ શહેર કે નગરમાં રહો છો તો શું તમે જાણો છો કે , સૌથી નજીકનું લૅન્ડફિલ્મ સ્થળ ક્યાં છે ? 

વાસ્તવમાં લૅન્ડફિલ્સ પણ કોઈ વધારે સારો ઉકેલ નથી કારણ કે ખાસ કરીને મહાનગરોમાં ગંદા કચરા ( garbage ) નું સર્જન એટલું બધું વધારે છે કે તે સ્થળો પણ ભરાઈ જાય છે . 

આ લૅન્ડફિલ્મમાંથી પણ નાનાં - નાનાં છિદ્રોમાંથી ઝમતાં - નિતરતાં ( seepage ) રસાયણોનો ખતરો છે , જેનાથી ભૂમિગત જળસંસાધનો પ્રદૂષિત થઈ જાય છે .

આ બધાનો એકમાત્ર ઉકેલ છે કે પર્યાવરણીય મુદ્દાઓ માટે મનુષ્યો વધુ સંવેદનશીલ બની શકે છે . 


આપણા દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે :

( a ) જૈવવિઘટન યોગ્ય ( bio - degradable ) 

( b ) પુનઃચક્રણ યોગ્ય ( recyclable ) અને 

( c ) જૈવવિઘટન અયોગ્ય ( non biodegradable ) . 

એ મહત્ત્વપૂર્ણ છે કે ઉત્પાદિત બધા કચરાની છણાવટ થાય . 

જે કચરાનો પુનઃ ઉપયોગ કે પુનઃચક્રણ કરી શકાય તેને અલગ કરવો જોઈએ ; કબાડીવાળા અને ચિથરાં ભેગા કરવાવાળા ( rag - pickers ) પુનઃચક્રણ કરવા યોગ્ય સામગ્રીને અલગ કરીને એક મોટું કામ કરે છે . 

જૈવવિધટનીય પદાર્થોને જમીનમાં ઊંડા ખાડામાં મૂકી શકાય છે તથા કુદરતી સ્વરૂપમાં વિઘટન માટે છોડી શકાય છે . 

ત્યાર પછી માત્ર અજૈવવિઘટનીય કચરાનો નિકાલ કરવાનો બાકી રહે છે . 

આપણા કચરાને ઘટાડવા માટેની જરૂરિયાત એ આપણું મુખ્ય લક્ષ હોવું જોઈએ પરંતુ તેના બદલે આપણે લોકો અજૈવવિઘટનીય ઉત્પાદનોનો ઉપયોગ વધારે કરી રહ્યા છીએ . 

કોઈ પણ સારી ગુણવત્તાની ખાવાલાયક સામગ્રીનું તૈયાર પૅકેટ પસંદ કરો , જેમકે બિસ્કિટનું પૅકેટ ઉઠાવીને તેના પૅકેજિંગ ( packaging ) નો અભ્યાસ કરો - શું તમે પૅકેજિંગના ઉપયોગમાં લેવાતા રક્ષણાત્મક સ્તરોને જુઓ છો ? 

નોંધ લો કે ઓછામાં ઓછું એક સ્તર પ્લાસ્ટિકનું હોય છે . 

આપણે પોલીથીન બૅગમાં દૂધ તથા પાણી જેવા પોતાના દૈનિક ઉપયોગનાં ઉત્પાદનોનું પણ પૅકેજિંગ શરૂ કર્યું છે . 

શહેરોમાં ફળો અને શાકભાજીને પણ સુંદર પોલીસ્ટેરિન ( polystyrene ) અને પ્લાસ્ટિક ( plastic ) પૅકિંગમાં ખરીદીએ છીએ – આપણે તેની ઘણી વધારે કિંમત ચૂકવીએ છીએ અને આપણે શું કરીએ છીએ ? 

પર્યાવરણીય પ્રદૂષણમાં ભારે યોગદાન આપી રહ્યા છીએ . 

સમગ્ર દેશમાં રાજ્ય સરકારો પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો – કરવા અને પર્યાવરણની રીતે ઉપયોગી ( ecofriendly ) એવા પૅકેજિંગનો ઉપયોગ કરવા પ્રયત્ન કરી રહી છે . 

જ્યારે આપણે સામાન ખરીદીએ છીએ ત્યારે પોલીથીન ( polythene ) ની થેલીઓના અસ્વિકાર દ્વારા તથા કાપડ કે અન્ય કુદરતી રેસાની વહન થેલીઓ લઈને આપણે થોડું તો કરી શકીએ છીએ . 

દવાખાનાઓ જોખમી કચરો પેદા કરે છે જેમાં જંતુનાશક પદાર્થો અને અન્ય નુકસાનકારક રસાયણોનો સમાવેશ થાય છે તથા રોગજન્ય સૂક્ષ્મજીવો પણ હોય છે . 

આ પ્રકારના કચરાનો સાવધાનીપૂર્વક ઉપચાર અને નિકાલની આવશ્યકતા છે . 

દવાખાનાના કચરાના નિકાલ માટે ભઠ્ઠીઓ ( incinerators ) નો ઉપયોગ કરવો નિર્ણાયક છે . 

મરામત ન થઈ શકે તેવા કમ્પ્યૂટર અને ઇલેક્ટ્રૉનિક માલસામાનને ઇલેક્ટ્રૉનિક કચરો ( e - wastes ) કે ઈ - કચરો કહેવાય છે . 

ઈ - કચરોને લૅન્ડફિલ્સ સાઇટમાં દફનાવવામાં આવે છે કે સળગાવીને ભસ્મિભૂત કરી દેવામાં આવે છે . વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલા ઈ - કચરાની અડધાથી વધારે વિકાસશીલ દેશો , મુખ્યત્વે ચીન , ભારત તથા પાકિસ્તાનમાં નિકાસ થાય છે જ્યાં પુનઃચક્રણની ક્રિયા દરમિયાન તાંબું , લોખંડ , સિલિકોન , નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃ પ્રાપ્ત થાય છે . 

વિકસિત દેશોની જેમ ઈ - કચરાના પુનઃચક્રણ માટે વિશેષરૂપે સુવિધાઓ ઉપલબ્ધ હોય છે પરંતુ વિકાસશીલ દેશોમાં પુનઃચક્રણના કાર્યમાં ઘણી વાર શારીરિક ( હાથેથી બનાવવાની- manual ) ભાગીદારીનો સમાવેશ થાય છે . 

આથી આ કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓ પર ઈ - કચરામાં રહેલા ઝેરી પદાર્થોની અસર પડે છે . પુનઃચક્રણ એ ઈ - કચરાના ઉપચાર માટેનો એકમાત્ર ઉકેલ છે , તે ઉપચાર પર્યાવરણને અનુકૂળ ( મૈત્રીપૂર્ણ ) રીતે હાથ ધરવામાં આવે છે . 


પ્લાસ્ટિકના કચરા માટે ઉપચારના કિસ્સાનું અધ્યયન ( Case Study of Remedy for Plastic Waste )

બેંગ્લોરમાં પ્લાસ્ટિકની કોથળીઓના ઉત્પાદનકર્તાએ પ્લાસ્ટિક - કચરાની સતત વધતી જતી સમસ્યાનો એક આદર્શ ઉકેલ શોધી લીધો છે . 

અહમદખાનની ઉંમર 57 વર્ષની છે , તેઓ પાછલાં 20 વર્ષોથી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવી રહ્યા છે . 

લગભગ 8 વર્ષ પહેલાં એમણે અનુભવ્યું કે , પ્લાસ્ટિક - કચરો એક વાસ્તવિક સમસ્યા છે . તેમની કંપનીએ પોલીબ્લેન્ડ ( polyblend ) નામનો પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો ઝીણો પાઉડર તૈયાર કર્યો . 

આ મિશ્રણને બિટુમેન ( bitumen ) ની સાથે ભેળવવામાં આવ્યું જેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરવામાં આવે છે . 

અહમદખાનને આર.વી.ઇજનેરી કૉલેજ તથા બેંગ્લોર શહેર કૉર્પોરેશનના સહયોગથી બિટુમેન અને પોલીબ્લેન્ડ સંમિશ્રણ ( blend ) નો ઉપયોગ કર્યો અને માર્ગ બનાવતી વખતે જણાયું કે બિટુમેનનો જલવિકર્ષક ( water repellant ) ગુણધર્મ વધી ગયો તથા તેના કારણે રસ્તાની વય ત્રણગણી વધારે થઈ ગઈ . 

પોલીબ્લેન્ડ બનાવવા માટે કાચા માલના રૂપમાં કોઈ પ્લાસ્ટિક રૅપર્સના કચરાનો ઉપયોગ કરવામાં આવે છે . 

પ્લાસ્ટિક - કચરા માટે કચરો વીણવાવાળાને 0.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળતા હતા . 

હવે અહમદખાનથી તેમને 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળવા લાગ્યા છે . 

બેંગ્લોરમાં ખાનની પદ્ધતિનો ઉપયોગ કરીને વર્ષ 2002 સુધી લગભગ 40 કિલોમીટર રસ્તાનું નિર્માણ થઈ ચૂક્યું છે . 

ત્યાં હવે અહમદખાનને પોલીબ્લેન્ડ તૈયાર કરવા માટે જલદીથી પ્લાસ્ટિક - કચરાની અછત પડવા લાગશે . 

પોલીબ્લેન્ડની શોધ કરવા માટે ખાનનો આભાર માનવો પડે કે હવે આપણે પ્લાસ્ટિક - કચરાના દમ ઘૂંટી નાખતા દુષ્પ્રભાવ ( smothered ) થી પોતાને બચાવી શકીએ છીએ .

[Reference-gseb std 12 text book]

Post a Comment

0 Comments