કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ ( Versatile Nature of Carbon )
કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ
( Versatile Nature of Carbon )
વિવિધ તત્ત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રૉનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોયું છે . આપણે સરળ કાર્બન સંયોજન , મિથેનનું બંધારણ પણ જોયું છે .
એવી કેટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે કાર્બન ધરાવે છે .
વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનોના બનેલા છીએ . હાલમાં જ અસંખ્ય કાર્બન સંયોજનો કે જેનાં સૂત્રો રસાયણશાસ્ત્રીઓ માટે જાણીતા છે તેમની સંખ્યા લાખોમાં અંદાજવામાં આવી છે ! તે અન્ય તમામ તત્ત્વો દ્વારા બનતાં સંયોજનોને એકસાથે મૂકવાથી મળતી સંખ્યા કરતા ઘણી વધારે છે .
શા માટે આ ગુણધર્મ કાર્બનમાં જ જોવા મળે છે અને અન્ય તત્ત્વમાં નહિ ? સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે . કાર્બનના કિસ્સામાં બે પરિબળો નોંધાયેલાં છે.
( i ) કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે , જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે . આ ગુણધર્મને કેટેનેશન ( Catenation ) કહે છે .
આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા , કાર્બનની શાખીત શૃંખલા અથવા વલયો ( Rings ) માં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે . વધુમાં કાર્બનનો પરમાણુ એકલબંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલો હોઈ શકે છે .
કાર્બનના પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલ હોય તેવા કાર્બનનાં સંયોજનોને સંતૃપ્ત સંયોજનો ( Saturated Compounds ) કહે છે .
કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનનાં સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો ( Unsaturated Compounds ) કહે છે .
કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે , તે કોઈ બીજા તત્ત્વમાં જોવા મળતો નથી .
સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે , તેમાં સાત અથવા આઠ પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે , પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ હોય છે .
કાર્બન - કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે , તેથી તે સ્થાયી હોય છે . જે આપણને કાર્બન પરમાણુઓના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે .
( ii ) કાર્બનની સંયોજકતા ચાર હોય છે , તેથી તે કાર્બનના અન્ય ચાર પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક - સંયોજક તત્ત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે .
ઑક્સિજન , હાઇડ્રોજન , નાઇટ્રોજન , સલ્ફર , ક્લોરિન તથા અનેક અન્ય તત્ત્વોની સાથે કાર્બનનાં સંયોજનો બને છે , જેના કારણે એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતાં સંયોજનો બને છે જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્ત્વ પર આધાર રાખે છે .
વળી , કાર્બન મોટા ભાગનાં અન્ય તત્ત્વો સાથે જે બંધ બનાવે છે , તે ખૂબ જ પ્રબળ હોય છે , જે સંયોજનોને અપવાદરૂપે સ્થાયી બનાવે છે .
કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું એક કારણ તેનું નાનું કદ છે . જેના કારણે પરમાણુકેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રૉન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે .
મોટા પરમાણુઓ ધરાવતાં તત્ત્વો દ્વારા બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે .
Post a Comment
0 Comments